New Gaza
By Marwan Makhoul
Improvisation by Oumenia El Khalif
Gujarati Translation by Pratishtha Pandya
հայերէն (Armenian) | বাংলা (Bangla) | English | ગુજરાતી (Gujarati) | हिन्दी (Hindi) | മലയാളം (Malayalam) | मराठी (Marathi) | ਪੰਜਾਬੀ (Punjabi) | தமிழ் (Tamil) | తెలుగు (Telugu) | اردو (Urdu)
નવું ગાઝા
હવે સમય નથી
છોડ માના ગર્ભમાં લટકવું
જલદી આવી જ મારા દીકરા
ના, હું ઉત્સુક છું એટલે નહીં
પરંતુ અહીંયા યુદ્ધ ચાલી રહ્યું છે
અને હું ડરું છું કે આ દેશ
જેને મેં તારા માટે ઝંખ્યો છે
તું એને કદી જોઈ નહીં શકે.
. . .
તારો દેશ એ નથી માટી કે નથી સમુદ્ર.
આ દેશ જે આપણા નસીબને ભાખી
ને મરી પરવાર્યો છે.
એ તારો દેશ એટલે તારા લોકો.
તું આવ અહીં ને ઓળખી લે એમને
એ પહેલાં કે કોઈ બોંબ એમના ચહેરાના લીરા ઉડાડી નાખે
ને મારે એમના વિખરાયેલા અવશેષોને ભેગા કરવાનું આવે
તને એ વાતની અનુભૂતિ કરાવવા કે જે લોકો ચાલ્યા ગયા છે
તે બધા સુંદર હતાં અને નિર્દોષ હતાં
એમનાં પણ બાળકો હતા બિલકુલ તારા જેવા
એમણે મુક્ત કરી દીધાં એમને
શબઘરોની બરફની પેટીઓમાંથી
હુમલા પર હુમલા
કરતા ગયા એ બધાંને આનાથ,
રઝળતાં જિંદગીની ગલીઓમાં.
. . .
જો તેં મોડું કર્યું તો પછી
તું નહીં મારી વાત પર વિશ્વાસ નહીં કરે
તને થશે આ તો લોકો વગરનો દેશ છે
તું માનીશ કે આપણે ક્યારેય અહીંયા હતાં જ નહીં
બે બે વાર દેશમાંથી હકાલપટ્ટી
અને પછી પંચોતેર વર્ષ સુધી
આપણા પોતાના નસીબ સામે કરેલો આ બળવો,
એ નસીબનું ફૂટવું
એ આશાનું થવું રાખ
કઈ રીતે જાણીશ તું એ?
. . .
જાણું છું કે આ બોજો તારા માટે ઘણો ભારે છે
પણ માફ ફર મને, હું ડરું છું
પેલી હરણીની જેમ
નવા જન્મેલા બચ્ચાં પર તૂટી પાડવા
સંતાઈને મોકાની રાહ જોઈ
બેઠાં ઝરખના ઝૂંડથી.
આવી જ જલ્દી બહાર
ને મૂક દોટ, દોડ પૂરપાટ
જેથી હું મારા પસ્તાવામાં પાયમાલ ન થઇ જાઉં.
. . .
ગઈકાલ રાત્રે હતાશાએ મારો ભરડો લીધો હતો
મેં જાતને કહ્યું, ચૂપ કર
આ બધાને એની સાથે શું લેવા દેવા?
મારું બાળ, એક મીઠી હવાની લહેર
એને વાવાઝોડા સાથે શું?
પણ આજે ફરી વિવશતા મને અહીં ધકેલી રહી છે
આ તાજા ખબર સાથે:
એ લોકોએ ગાઝાની બેપ્ટિસ્ટ હોસ્પિટલ પર બૉમ્બ ફેંક્યા છે
અને હુમલામાં ઘાયલ થયેલા 500 લોકોમાં
એક એ બાળક છે જે એના ભાઈને બોલાવે છે,
જેની ખોપરી ફૂટી ગઈ છે, પણ આંખો હજુ ખુલ્લી છે,
“ભાઈ, ભાઈ, તું જુએ છે મને?”
નથી જોતો એ એને
જેમ આ હિંસક દુનિયા નથી જોતી એને
જે કલાક બે કલાક સંહારને વખોડીને પાછી ઊંઘી જાય છે
એને ભૂલવા, ને ભૂલવા એના ભાઈને
જે એને જોતો નથી.
. . .
હવે શું કહેવું મારે તને?
આફત અને આપત્તિ બે બહેનો છે
બે ય આગ ઓકતી, ભૂખી ડાંસ મને ખાવા ધાય છે
કરે છે હુમલા મારા પર
ત્યાં સુધી જ્યાં સુધી થથરવા ના માંડે મારા હોઠ
ને સરી ના પડે એમની વચ્ચેથી
એક શબ,
લાશ, એના તમામ સમાનાર્થી શબ્દો.
આ યુદ્ધના સમયમાં સસલાંની જેમ ફાળ ભરતાં
નરસંહાર સામે હોડમાં ઉતરતા
કાચબા જેવા કવિઓનો ભરોસો ના કરતો .
કાચબો ઠચૂક ઠચૂક ચાલે જાય છે
સસલાં ભરે રાખે છે ફાળ એક જુલમથી બીજા જુલમ તરફ
ઠેઠ ઓર્થોડોક્સ ચર્ચ સુધી જેના પર હમણાં જ બૉમ્બ ફેંકવામાં આવ્યા છે
તે પણ ભગવાનની આંખ સામે
જે હજુ હમણાં જ નીકળીને આવ્યા છે
ધરાશાયી કરાયેલી મસ્જિદમાંથી,
પયગંબરના ગર્ભગૃહમાંથી જેના પર હુમલો થયો છે.
ક્યાં છે આપણો તારણહાર?
એ સ્વર્ગમાં બિરાજમાન પિતા?
એ તો એક હવાઈ જહાજ થઇ ગયા છે.
સાવ એકલા, કોઈ સાથી વગરના
સિવાય એ કે જે આપણા ઉપર બૉમ્બ નાખવા આવેલો
જેનું લક્ષ છે આપણું આત્મસમર્પણ, આપણો વિનાશ.
મારા દીકરા, વધસ્તંભ પર હવે
બધા પયગંબરો માટે પૂરતી જગ્યા છે.
ઈશ્વર સઘળું જાણે છે
નથી જાણતો તે તું ને તારા જેવા નિર્દોષ
નહીં જન્મેલા શિશુઓ.
Translated by: પ્રતિષ્ઠા પંડ્યા